
Trust & Safety
જમ્પડ ડિપોઝિટ સ્કેમ: જાણો તમારો UPI પિન ક્યારે એન્ટર કરવો
PhonePe Regional|3 min read|24 February, 2026
તમારો UPI પિન એ તમારા પૈસા અને કોઈપણ વ્યવહાર વચ્ચેનો છેલ્લો દરવાજો હોય છે. દરેક વખતે જ્યારે તમે તેને એન્ટર કરો છો, ત્યારે તમે તમારા ખાતામાંથી પૈસા બહાર જવા માટે મંજૂરી આપી રહ્યા છો – તેથી જ તમે જે મંજૂર કરો છો તેની ચકાસણી કરવા માટે થોભવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમ છતાં, રોજિંદા ટ્રાન્ઝેક્શનોની ઉતાવળમાં આ સરળ પગલું વારંવાર અવગણવામાં આવે છે, જે યુઝર્સને અત્યાધુનિક સોશિયલ એન્જિનિયરિંગ સ્કેમ્સનો શિકાર બનાવે છે. આવો જ એક સ્કેમ છે ‘જમ્પડ ડિપોઝિટ સ્કેમ’.
આ સ્કેમ કેવી રીતે કામ કરે છે અને તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો તેની વિગતવાર માહિતી અહીં છે.
જમ્પડ ડિપોઝિટ સ્કેમ એટલે શું?
જ્યારે છેતરપિંડી કરનારાઓ ભોગ બનનાર વ્યક્તિને છેતરીને અજાણતા UPI પેમેન્ટ રિક્વેસ્ટ મંજૂર કરાવે છે (એમ માનીને કે તેમને પૈસા મળી રહ્યા છે), ત્યારે તેને ‘જમ્પડ ડિપોઝિટ સ્કેમ’ કહેવામાં આવે છે. આ શબ્દમાં “જમ્પડ” (Jumped) એ વાતનો ઉલ્લેખ કરે છે કે એકવાર છેતરપિંડી કરનાર તમને છેતરે પછી તમારા ખાતામાંથી પૈસા કેટલી ઝડપથી બહાર નીકળી જાય છે. તેઓ સેકન્ડોમાં તમારા ભંડોળને એક ડઝન અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર અથવા “જમ્પ” કરે છે, જેનાથી પૈસાનો પીછો કરવો લગભગ અશક્ય બની જાય છે.
અન્ય સ્કેમ્સ કે જે તમારા OTP ચોરવાનો પ્રયાસ કરે છે તેનાથી વિપરીત, આ સ્કેમ તમને તમારી જાતે જ UPI પિન એન્ટર કરવા માટે છેતરે છે.
જાળ કેવી રીતે બિછાવવામાં આવે છે?
- નાની ક્રેડિટ: તમને તમારા ખાતામાં ₹10 અથવા ₹50 જેવી નાની રકમ જમા થયાનો નોટિફિકેશન અથવા SMS મળે છે.
- મદદ માટેનો કોલ: મિનિટો પછી, તમને એક ફોન આવે છે. સામેની વ્યક્તિ ગભરાયેલી અથવા રડમસ અવાજે વાત કરે છે. તેઓ દાવો કરે છે કે તેમણે ભૂલથી તમારા નંબર પર પૈસા મોકલી દીધા છે અને મેડિકલ ઇમરજન્સી કે બિલ માટે તેમને તે પૈસાની સખત જરૂર છે.
- ધ્યાન ભટકાવવું: જ્યારે તમે તેમની સાથે વાત કરી રહ્યા હોવ, ત્યારે તેઓ તમને “તમારી એપ અથવા SMS ખોલીને તપાસવા માટે કહે છે કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં”. છેતરપિંડી કરનાર જે વાર્તા બનાવી રહ્યો હોય તેના આધારે, મેસેજમાં “XYZ બેંક તરફથી રિફંડ”, “ABC સ્ટોર તરફથી કેશબેક” અથવા “કંપની પેરોલ તરફથી ડિપોઝિટ” જેવું લખેલું હોઈ શકે છે.
- ઓથોરાઈઝેશન: સ્કેમર પછી મોટી રકમ જેમ કે ₹5,000 માટે ફેક QR કોડ અથવા થર્ડ-પાર્ટી લિંક મોકલે છે. મદદ કરવાની ઉતાવળમાં, તમે એમ વિચારીને પિન એન્ટર કરી શકો છો કે તમે ડિપોઝિટની ચકાસણી કરી રહ્યા છો અથવા ભૂલથી આવેલા ₹50 પરત કરી રહ્યા છો. જે ક્ષણે પિન એન્ટર થાય છે, તમારા ખાતામાંથી મોટી રકમ કપાઈ જાય છે.
સ્કેમ પાછળનું મનોવિજ્ઞાન
નિષ્ણાતો જણાવે છે કે આ છેતરપિંડી ખૂબ જ અસરકારક છે કારણ કે તે તાર્કિક વિચારસરણીને બાજુ પર રાખી માનવ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે છે:
- વિશ્વાસ કેળવવો: છેતરપિંડી કરનારાઓ પહેલા તમારા ખાતામાં નાની, વાસ્તવિક રકમ ટ્રાન્સફર કરીને વિશ્વાસ ઊભો કરે છે.
- જિજ્ઞાસા અને વિશ્વાસનો ગેરફાયદો: આ સ્કેમ ડિજિટલ પેમેન્ટ વિશેની જિજ્ઞાસા અને જાગૃતિના અભાવનો લાભ લે છે. અચાનક આવેલી ડિપોઝિટ યુઝરને તે તપાસવા અને ભૂલથી આવેલા પૈસા પાછા આપવાની ફરજ અનુભવવા મજબૂર કરે છે.
- તાકીદ ઊભી કરવી: તાત્કાલિક પગલાં લેવા માટે ભાવનાત્મક યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કેમર્સ મેડિકલ ઇમરજન્સી જેવી વાર્તાઓ બનાવી ગભરાટ પેદા કરે છે જેથી યુઝર વિચાર્યા વગર નિર્ણય લે.
- જાગૃતિનો અભાવ: ઘણા લોકો ભૂલથી એવું માને છે કે બેલેન્સ ચેક કરવા કે પૈસા મેળવવા માટે UPI પિન એન્ટર કરવો જરૂરી છે.
જમ્પડ ડિપોઝિટ સ્કેમથી તમારા પૈસા કેવી રીતે સુરક્ષિત રાખવા?
- રાહ જુઓ: જો તમને અજાણી ડિપોઝિટ મળે અને પછી ગભરાટભર્યો કોલ આવે, તો ઉતાવળ ન કરો. છેતરપિંડીવાળી પેમેન્ટ લિંક્સ અવારનવાર 5-10 મિનિટમાં એક્સપાયર થઈ જાય છે. જો તમે 15 મિનિટ રાહ જોશો, તો જાળ આપોઆપ દૂર થઈ જશે.
- ટ્રાન્ઝેક્શની વિગતો ચકાસો: જો તમે રાહ જોઈ શકતા નથી, તો રકમ અને મેળવનારની વિગત સહિત ટ્રાન્ઝેક્શનની વિગતો બરાબર તપાસો. કોઈ પણ રિક્વેસ્ટ મંજૂર કરતા પહેલા વિગતો વાંચવી જરૂરી છે. યાદ રાખો, પૈસા જમા થવા માટે કોઈ મંજૂરીની જરૂર નથી.
- બેંકનો સંપર્ક કરવા કહો: જો કોઈએ ખરેખર ભૂલથી પૈસા મોકલ્યા હોય, તો તેમને તેમની બેંકનો સંપર્ક કરીને “ખોટી ક્રેડિટ” રિવર્સલ શરૂ કરવા કહો. ભૂલો સુધારવાની આ સત્તાવાર અને સુરક્ષિત રીત છે. તમે કોઈ અજાણી વ્યક્તિની UPI રિક્વેસ્ટ દ્વારા પૈસા પાછા મોકલવા માટે બંધાયેલા નથી.
- તમારી સ્ક્રીન ચેક કરો: પિન સ્ક્રીન પર હંમેશા “Paying/પેઈંગ” અથવા “Sending to/સેંડિંગ ટુ” શબ્દો શોધો. જો તમે તે શબ્દો જુઓ, તો તરત જ અટકી જાઓ.
- અધિકૃત UPI એપ્સ: હંમેશા બેંકોની અથવા PhonePe જેવી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મની એપનો ઉપયોગ કરો જે મલ્ટી-લેયર સુરક્ષા આપે છે.
- પેમેન્ટ નોટિફિકેશન ચાલુ રાખો: તમામ બેંકિંગ વ્યવહારો માટે SMS અને ઇમેઇલ નોટિફિકેશન ચાલુ રાખો.
યાદ રાખવાનો સુવર્ણ નિયમ
હંમેશા યાદ રાખો કે પૈસા મેળવવા માટે તમારે ક્યારેય તમારો UPI પિન એન્ટર કરવાની જરૂર નથી. પછી ભલે તે રિફંડ હોય, કેશબેક હોય, ભેટ હોય કે “ભૂલથી” થયેલ ટ્રાન્સફર હોય, જો કોઈ સ્ક્રીન તમારો પિન માંગે છે, તો તેનો અર્થ એ છે કે પૈસા તમારા ખાતામાંથી જઈ રહ્યા છે.
જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા હોવ તો શું કરવું?
જો તમને લાગે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો તરત જ તેની જાણ કરો. દરેક સેકન્ડ મહત્વની છે.
PhonePe પર રિપોર્ટ કરવા માટે:
- PhonePe એપ: હેલ્પ સેક્શનમાં જાઓ અને ફરિયાદ નોંધાવો.
- PhonePe કસ્ટમર કેર: 80-68727374 / 022-68727374 પર કોલ કરો.
- સોશિયલ મીડિયા:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ફરિયાદ નિવારણ: ફોનપે ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.
સત્તાવાળાઓને જાણ કરવી:
- સાયબર ક્રાઇમ સેલ: સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ચક્ષુ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કૉલ્સ અથવા WhatsApp છેતરપિંડીની જાણ કરો.
મહત્વપૂર્ણ રીમાઇન્ડર — PhonePe ક્યારેય ગુપ્ત અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો કોઈ મેઇલ phonepe.com ડોમેન પરથી ન હોય, તો તેને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તાત્કાલિક સત્તાવાળાઓનો સંપર્ક કરો.
